મંદોદરી (એકોક્તિ) ~ વનલતા મહેતા

પઠન: ક્રિશ્ના ઓઝા

હું પટરાણી! કોની દશાનની! લંકાધિપતિના મહેલમાં વસતી અનેક સુંદરીઓની જેમ પતિના અહંકારને પોષતી એક શુદ્ધ નારી બની રહી.

પટરાણી! મહારાણી! કેવા છેતરામણા શબ્દો? નારી તરીકે શું મેં સ્વને જાળવ્યું? મારી માતા હેમા અપ્સરા હતી અને પિતા મયદાનવ. મને મેળવવા યજ્ઞો, ગાંધર્વો, કિન્નરો અને દાનવો, પિતા પાસે આવતા. દાનવપિતા ઇચ્છતા કે હું કોઈ મહાદાનવને વરુ અને લંકેશની પસંદગી થઈ. ગર્વથી હું રાવણની પ્રિય પત્ની અખૂટ વૈભવમાં રાચતી રહી.

શું મેં આજ ઇચ્છ્યું હતું?… દશાનનની પ્રૃતિ વિલાસી, અહંકારી. એ પરાક્રમી હતા, વિદ્વાન હતા, પરંતુ સ્ત્રી એમને મન ફક્ત ભોગવિલાસની પૂતળી જ હતી. હું તો ઇચ્છતી હતી કે મારા પતિની હું મિત્ર, સખી બની રહું પણ એમને મન એવી ભાવના જ ક્યાં હતી?

ક્યારેક મારા ભવનમાં આવતા પતિની મિત્ર બનવા પ્રયત્ન કરતી. પૂછતી ‘નાથ! ભ્રમરવૃત્તિ ત્યાગો, અહંકાર છોડો, તમને શેની ખોટ છે? ચાલો આ સુવર્ણનગરીને આપણે બંને મળીને સદાચારનું સ્વર્ગ બનાવીએ. મારી અપ્સરા માતા હેમાએ મારામાં સૌંદર્ય સિંચ્યું છે, તેનાથી જ તમે મોહિત થયા? મારા હૈયામાં ઉઠતા નવસર્જનના વલય તમને નથી દેખાતા. તમારી જિજીવિષાનો અંત આણો. પરસ્પર સ્નેહબંધને બંધાઈ આપણે પતિ-પત્નીનું સાહચર્ય સાર્થક કરીએ પણ સાંભળે કોણ?’

ત્યાં એમની ભ્રમરવૃત્તિને શૂર્પણખાએ વેગ દીધો. લોહી નીકળતા કાન-નાક સાથે એણે મારા પતિને ઉશ્કેરી, વિનાશને માર્ગે વાળ્યા. અને મારા ભાગ્ય પર દુર્ભાગ્યની વર્ષા શરૂ થઈ. મારા પતિ સીતાનું હરણ કરીને લંકા લાવ્યા. ત્યારે મેં જાણ્યું કે સ્વયં મૃત્યુને આમંત્રણ આપી આવ્યા છે. લંકાનો વિનાશ હવે નિશ્ચિત છે. મેં એમને વીનવ્યા, સીતાને પાછી મોકલવા. બદલામાં મને ખૂબ અપમાનિત કરી.

સીતાને લાવ્યા સાથે પોતાનો તો વિનાશ નોતર્યો જ પણ સુવર્ણનગરી લંકાની પાયમાલી સર્જી. રામની એકમાત્ર પત્ની સીતા શું એમને વશ થાય! સ્ત્રીની વેદના સમજે એવો એ પુરુષ ક્યાં હતો! હું ન મિત્ર બની શકી, ન સાચી હૃદયસામ્રાજ્ઞી, ન પટરાણી બની શકી ફક્ત રમકડું જ બની! મારું સ્વમાન ઘવાતું રહ્યું. છતાં પતિપારાયણ બની પતિને સાચે રસ્તે દોરવા મથતી રહી, પણ કાળને એ ક્યાં મંજૂર હતું? મારો પતિ મારો એકલીનો થોડો જ હતો? જેમ રામ ફક્ત સીતાના જ હતા તેમ! પતિનો દુરાચાર શું પત્નીને પણ ભોગવવાનો? ભાવિની ભયંકર ગતો મોં ફાડી ગળી જવા જડબા હલાવી રહી હતી. આખરે યુદ્ધ આરંભાયું. કુંભકર્ણ પડ્યો, પુત્ર ઇન્દ્રજીત ગયો. લંકાના દરેક ઘરમાં વિલાપ છવાયો. હું સતી મંદોદરી કહેવાતી પણ મારા પતિમાં સત્ય જ ક્યાં હતું? હું પૂજાઉં છું પણ એ પૂજાની હકદાર છું? પતિને સાચે માર્ગે વાળી ન શકી એ ઉણપ! કુળનો વિનાશ નહીં રોકી શકી. પતિના પાપની ભાગીદાર જ ગણાઉ ને!

લોકો મારા તરફ અનુકંપા કેમ ધરાવે છે? હું તો એક સ્ત્રી તરીકે પણ નિષ્ફળ નીવડી છું. સર્વનાશની સાક્ષી એવી હું પોતે જ દુષ્ટકૃત્યની સાક્ષી?

રામને હાથે મૃત્યુ પામી મારા પતિ મોક્ષ પામ્યા પણ મારો મોક્ષ! મારે વિભિષણની પત્ની બનવું પડ્યું. રાવણની અર્ધાંગિની, હવે વિભિષણની અર્ધાંગિની!

સુજ્ઞ વિભિષણ મર્યાદા જાળવે છે. લંકાની હું હજી મહારાણી છું. પરંતુ અર્ધાંગિની કોની? રાવણની – આ શું બદલી શકાય?

***

Leave a Reply to Jayshree PatelCancel reply

3 Comments

  1. વનલતા મહેતાની સુંદર એકોક્તિનુ ક્રિશ્ના ઓઝા દ્વારા સ રસ પઠન