શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –પહેલો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –પહેલો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – પહેલો અધ્યાય –ધ્યાનવિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન – ૐ નમો ભગવતે વાસુદેવાય

 (પ્રથમ સ્કંધના છેલ્લા અને ઓગણીસમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, શિકાર રમવા ગયેલા મહારાજ પરીક્ષિત પોતાના સૈન્યથી વિખૂટા પડી જાય છે. ક્ષુધાતુર અને તૃષાતુર મહારાજ, બ્રહ્મર્ષિ શમીક ઋષિના આશ્રમ પર આવે છે. શમીક ઋષિ સમાધિમાં લીન હોવાથી રાજાના બોલાવવા છતાં કશું સાંભળતા નથી કે નથી જવાબ આપતા. ભૂખ-તરસને લીધે વિવેકબુદ્ધિ ચૂકી જઈને, ક્રોધાવશ પરીક્ષિત બાજુમાં પડેલો મરેલો સાપ શમીક ઋષિના ગળામાં નાખી દે છે. એમના પુત્ર શ્રુંગીને આની જાણ થતાં, એ કિશોર રાજાને શાપ આપે છે કે આજથી સાતમા દિવસે પરીક્ષિતને એના આ દુષ્કૃત્ય બદલ તક્ષક નાગ આવીને કરડશે અને રાજાનું મૃત્યુ થશે. જ્યારે મહારાજને શ્રૂગીના શાપની ખબર પડે છે ત્યારે એમને એક રીતે હાશકારો થાય છે કે એમની પ્રજા એમના આ અપકૃત્યની સજા નહીં ભોગવે. રાજકારભારનો ભાર તેમના પુત્ર જનમેજયને સોંપી, તેઓ આમરણ અનશનનો દ્રઢ નિશ્વય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ન, દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેસે છે. તે સમયે અનેક મહર્ષિઓ અને બ્રહ્મર્ષિઓ ત્યાં આવી ચઢે છે. સહુ ઋષિગણો પરીક્ષિતને કહે છે કે -અમે સહુ ત્યાં સુધી અહીં જ રહીશું જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આપ, પોતાનો આ નશ્વર દેહ છોડીને, માયાદોષ તેમ જ શોકરહિત થઈને ભગવાનના ધામમાં સિધાવી ન જાઓ મહારાજ પરીક્ષિત મહર્ષિઓના આવા વચનો સાંભળીને ગદગદ થઈ ગયા. તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતા, કશાયની અપેક્ષા ન રાખનારા વ્યાસપુત્ર શ્રી શુકદેવજી ત્યાં પધારે છે. જ્યારે શ્રી શુકદેવજી શાંતભાવે આસનસ્થ થાય છે ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે પ્રણામ કરીને એમને પૂછે છે, કે, ‘હે બ્રહ્મસ્વરૂપ ભગવન! હું એક અપરાધી હોવા છતાં આપ સમા સંત-સમાગમનો મને અધિકાર મળ્યો, એને હું મારું સદભાગ્ય માનું છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય, એણે શું કરવું જોઈએ? એ સાથે એ પણ બતાવો કે મનુષ્યમાત્રએ શું કરવું જોઈએ?  જીવનમાં મનુષ્યએ સતત કોનું સ્મરણ રાખવું જોઈએ, કોનો જપ, અને ભજન કરવા જોઈએ અને શેનો સદા ત્યાગ કરવો જોઈએ? અહીં એક ઉત્તમ રાજા તરીકે પરીક્ષિત માત્ર પોતાના જ ઉદ્ધારની વાત નથી કરતા પણ સમસ્ત પ્રજાના ઉત્થાનને માટે પણ ચિંતા કરે છે. શુકદેવજી અત્યંત વિનમ્રતાથી અને શ્રદ્ધાથી પૂછાયેલા આ સવાલોના જવાબો પ્રસન્નતાથી શુકદેવજી આપવા ઉદ્યત થાય છે. (હવે અહીંથી આગળ વાંચો દ્વિતીય સ્કંધ –પહેલો અધ્યાય)

સૂતજી કહે છે – આ સાંભળીને શ્રી શુકદેવજી બોલ્યાં – હે પરીક્ષિત, લોકકલ્યાણ માટે કરાયેલો તમારો પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. સારા અને સાચા પ્રશ્નો પૂછવા માટે પણ આત્મજ્ઞાન હોવું જરૂરી છે. આ જ્ઞાન જ વિવેકબુદ્ધિ આપે છે. અજ્ઞાનીઓ આત્મસ્વરૂપને પીછાણી શકતા નથી અને આથી જ, આ લોકના મોટા ભાગના લોકો સંસારની અઘટિત અને પ્રાપંચિક વાતોના જાળામાં ફસાઈને, ગૂંચવાઈને મહામૂલું જીવન વેડફી નાખે છે. તો હે પરીક્ષિત, જે મનુષ્ય મૃત્યુથી અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો સદૈવ સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. આ દેખીતા બાહ્ય શબ્દોના સતત રણકારથી અંતર આત્માને જાગૃત કરવાની વાત છે. આવા પવિત્ર શબ્દોના ઉચ્ચારણોથી જ ભક્તિયોગનો પ્રારંભ થાય છે. આમ સહેલાઈથી સામાન્ય માનવી પણ આ યોગમાં ધ્યાનસ્થ થઈ શકે છે. આથી જ ભક્તિયોગ સર્વોત્તમ માનવામાં આવ્યો છે. નારાયણની ભક્તિમાં રમમાણ જીવ, ભલેને મંત્રો ને પૂજા જેવું કશુંયે ના આવડતું હોય તોયે ભગવાનના નામનું શ્રવણ, ચિંતન અને રટણ કરીને ઉર્ધ્વગામી બને છે. હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે એવા મોટા મોટા ઋષિમુનિઓ પણ ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન-વર્ણનમાં રત રહે છે. દ્વાપરયુગના અંતમાં આ ભગવદરૂપ શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતાજી પાસે અધ્યયન કર્યું હતું. ભગવાનની મધુર લીલાઓએ મારું ચિત્ત હરી લીધું છે.

જે મનુષ્ય આ લોક કે પરલોકમાં, ધર્મનું પાલન કરીને, સત્યને પામવા કે સમજવા ઈચ્છે છે અથવા તો સંસારમાં અનેક દુઃખોનો અનુભવ કરીને વિરક્ત થઈને મોક્ષ પામવા ઈચ્છે છે, એવા સર્વ સિદ્ધ-સંપન્ન જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એક જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામનું પ્રેમપૂર્વક સંકિર્તન કરે. હે પરીક્ષિત, તમે સ્વયં શ્રી કૃષ્ણના ભક્ત છો. હજી તો તમારી પાસે સાત દિવસની અવધિ છે. તે દરમિયાન તમારે પોતાના આત્માના પરમ કલ્યાણ માટે જે કંઈ કરી શકાય તે કરી લેવું જોઈએ. મૃત્યુથી ગભરાયા વિના, વૈરાગ્યના શસ્ત્રથી મોહમાયાના બંધનો કાપી નાખવા જોઈએ. પ્રણવના ૐ નો નાદ કરીને, પ્રાણવાયુને વશ કરીને, બુદ્ધિની સહાયથી, મનને વિષયોમાંથી સંપૂર્ણપણે વાળી લેવું જોઈએ. શ્રી કૃષ્ણના મનોહર સ્વરૂપનું ધ્યાન ધરીને, વિષય-વાસના રહિત થઈને મનને પૂર્ણપણે ભગવાનમાં તલ્લીન કરી દેવું જોઈએ જેથી અન્ય કોઈ વિષયનું સ્મરણ કે ચિંતન ન થાય. જો ભગવાનનું ધ્યાન ધરતી વખતે મન રજોગુણથી કે તમોગુણથી વિક્ષુબ્ધ થાય તો ગભરાયા વિના, યોગધારણાથી તેને વશ કરવું જોઈએ. યોગધારણા આ બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે. ધારણા સ્થિર થઈ જવાથી જ પરમ મંગળમય શ્રી પ્રભુના મોહક રૂપને પામી શકાય, એ જ છે ભક્તિયોગની ચરમ અને પરમ સીમા.

સુતજી આગળ શૌનકાદિ ઋષિ-મુનિઓને કહે છે – શ્રી શુકદેવજીના આ વચનો સાંભળીને પરીક્ષિત એમને પૂછે છે કે – હે બ્રહ્મન્! આ યોગ ધારણા ક્યા સાધનથી અને કઈ વસ્તુમાં કેવી રીતે કરવામાં આવે છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? શુકદેવજી એનો જવાબ આપતાં કહે છે કે- હે પરીક્ષિત, ધ્યાન, આસન, શ્વાસ, અને આસક્તિરહિત મન વડે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને ભગવાનના સ્થૂળ સ્વરૂપનું સ્મરણ કરીને, સૂક્ષ્મ રૂપને અનુભવવું. જ્યારે આ સ્વરૂપ મનમાં વસી જાય છે ત્યારે જ મન અને બુદ્ધિ અહંકારહિત થાય છે અને શ્રી ભગવાનના વિરાટ સ્વરૂપને અંતરમાં અનુભવાય છે. આ વિરાટની અંતરાત્મામાં ઝાંખી એ જ છે પરમની પ્રાપ્તિનું દ્વાર. અનંતકોટિનું બ્રહ્માંડ જ વિરાટપુરુષનો સ્થૂળ દેહ છે.  વિશ્વબ્રહ્માંડના વિરાટરૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિના સાત આવરણોથી ઘેરાયેલો છે. એમાં જ ભગવાનના સમસ્ત અંગોનું આરોપણ કરવામાં આવે છે. તત્વજ્ઞાનીઓ આ વિરાટ પુરુષનું વર્ણન આ પ્રમાણે કરે છે, જેમ કે થોડાં ઉદાહરણ રૂપેઃ “એ વિરાટ પુરુષના તળિયાં પાતાળ છે. એની એડીઓ અને પંજા રસાતલ છે. બંને ધૂંટિઓ મહાતલ છે. પગની પીંડીઓ તલાતલ છે. ભગવાનના બંને ગોઠણ સુતલ છે. જાંઘો વિતલ અને અતલ છે. પેઢુ ભૂતલ છે. એમના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે. આદિપુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહર્લોક, મુખને જનલોક અને લલાટને તપોલોક કહે છે. એવા સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. દેવતાઓ એમની ભૂજાઓ છે. દિશાઓ કાન અને શબ્દો શ્રવણેન્દ્રિય છે. અશ્વિનીકુમારો તેમની નાસિકા છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ભગવાન વિષ્ણુનાં નેત્રો અંતરિક્ષ છે. તેમની જોવાની શક્તિ સૂર્ય છે અને આમ, શ્રી ભગવાનના અનેક અંગોનું આ સમસ્ત બ્રહ્માંડ બનેલું છે જેમાં સત્યલોક, સ્વર્ગલોક, ભૂલોક, પરલોક બધું જ આવી જાય છે.”

સૂતજી કહે છે – શુકદેવજી આમ ખૂબ જ વિગતવાર આ વિરાટપુરુષનું વર્ણન કરતાં કહે છે કે સર્વે અંગ, વર્ણ, જાતિ, પશુ, પ્રાણી, જીવ-જંતુ, ચર-અચર બધું જ આ એક વિરાટપુરુષના અંગો-પ્રત્યાંગો, વેદના-સંવેદનાઓ, આનંદ-અનુભૂતિ, દ્વૈત-અદ્વૈત અને ચેતના છે. સાચા અર્થમાં આ બ્રહ્માંડ તો એક વિરાટનો હિંડોળો છે. શુકદેવજી પછી પરીક્ષિતને કહે છે – કે વિરાટપુરુષ, શ્રી ભગવાનના સ્થૂળ શરીરનું આ વર્ણન મેં તમને કહ્યું છે. આનાથી વધુ કે ઓછું આખાયે બ્રહ્માંડમાં બીજું કશું જ નથી. હે પરીક્ષિત, તુ આંખો મીંચીને આ વિરાટની કલ્પના કરી જો. એમાં જો લીન થઈ ગયો તો સઘળી ચેતનાની કુંડલિની જાગૃત થશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો મુમુક્ષુ મન આ વિરાટમાં જ સ્થિર થાય છે તો પ્રભુના સૂક્ષ્મ પરમતત્વને પામવાનો રસ્તો પણ અહીં ખૂલી જાય છે. વિરાટથી માંડીને સૃષ્ટિના નાનામાં નાના અણુમાં પણ ઈશ્વર જ વિચરી રહ્યો છે, એવું એકવાર જો સ્થિતપ્રજ્ઞ મનને સમજાઈ જાય છે તો, જીવ સાથે જોડાયેલાં, મોહ, માયા, ક્રોધ, લોભ, મત્સર, વિલાસ વગેરે વૃત્તિઓ આપમેળે જ ખરી પડે છે.. આમ મોહનિદ્રાથી જાગેલો માનવી પછી પરમાત્માનું દર્શન મનમાં સતત કરતો રહે છે. સત્યતત્વ જગતમાં બસ આ જ છે, આટલું જ છે. પરમાત્મા. પરમાત્મા તો આનંદનો અફાટ સાગર છે. એનું જ સતત સ્મરણ અને ભજન કરતાં રહેવું જોઈએ. આમ કરવાથી આસક્તિ રહેતી નથી અને અનાસક્તા; કિમ્ ભય્ઃ?

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો પહેલો અધ્યાય –“ધ્યાનવિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

(શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધના અધ્યાયો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો:)
https://davdanuangnu.com/?s=%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AE%E0%AA%A6%E0%AB%8D+%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%E0%AA%B5%E0%AA%A4+%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE


  

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. DEAR SURESH BHAI, NICE GEET WITH SWEET SOUND. WISH YOU HAPPY BIRTH DAY. WISH WHOLE LIFE HEALTHY MAKE YOU HAPPY EVERY DAY FOR LIFE. HEALTH IS GREAT WEALTH. GOOD HEALTH EVRY DAY WE WILL HEAR SO MANY SONG. ENJOYED THE DAY.

  2. . મમળાવવા જેવી વાત-‘વિરાટથી માંડીને સૃષ્ટિના નાનામાં નાના અણુમાં પણ ઈશ્વર જ વિચરી રહ્યો છે, એવું એકવાર જો સ્થિતપ્રજ્ઞ મનને સમજાઈ જાય છે તો, જીવ સાથે જોડાયેલાં, મોહ, માયા, ક્રોધ, લોભ, મત્સર, વિલાસ વગેરે વૃત્તિઓ આપમેળે જ ખરી પડે છે.. આમ મોહનિદ્રાથી જાગેલો માનવી પછી પરમાત્માનું દર્શન મનમાં સતત કરતો રહે છે.’ધયવાદ

  3. મધુરા ભકિતના ઉત્કૃષ્ટ ગ્રંથરાજમાં ધ્યાનવિધિ અને ધારણા માટેના શ્રીકૃષ્ણના રૂપવિધાનમાં મન ખોવાઇ જાય તો સાર્થક થાય આ જીવન.