સુખડી ~ મમતા પટેલ

મમતા પટેલ
પઠન: લેખિકાના અવાજમાં

ઘઉનો લોટ, સુંઠ પાવડર, ગોળ અને શુદ્ધ દેશી ઘીની મીઠી સુવાસ વાતાવરણમાં પ્રસરી રહી, નયનાએ ઘીથી લચપચતી સુખડી ઘી લગાવેલી મોટી તાસકમાં ઢાળી દીધી.

નયના મન ભરીને એ સુખડીને જોઈ રહી. ધીરે ધીરે સુખડીમાં ઘી શોષાઈ રહ્યું હતું. જેમ જેમ ઘી શોષાતું જાય, સુખડી વધુ ને વધુ દાણાદાર અને સ્વાદિષ્ટ બનતી જાય. જીવનનું પણ એવું જ તો છે. શોષણ પછીનો નિખાર કંઈક અલગ જ હોય છે. નયનાથી મલકી જવાયું, મૂછમાં… પણ મૂછ ક્યાં હતી? એ તો સ્ત્રી હતી, મૂછાળો મરદ નહીં… નયનાથી ફરી મલકી જવાયું પણ વિષાદમાં.

નયના ૩૩ વર્ષ પહેલાં પરણીને સાસરે આવી હતી, કંઈ કેટલાય સપનાંઓને સાથે લાવી હતી, એક પછી એક પૂરાં કરવાની તમન્ના હતી પણ ના, જેને કેન્દ્રમાં રાખીને સપનાં સજાવ્યા હતાં તે…”મેં તારી સાથે લગ્ન કર્યા છે, તને ગોદ નથી લીધી”, “પૈસા દેતાં તારાં જેવી હજાર મળે છે.” આવાં તો કેટલાંય વાગ્બાણોથી નયના વીંધાતી રહી અને નયનાના નયનરમ્ય સપનાં ધીરે ધીરે ચુર થવા લાગ્યાં.

નયના સુખડીની તાસકને ઠપકારી રહી, ભૂતકાળમાંથી બહાર આવવા ધીરેથી પોતાના માથાને પણ ઠપકાર્યું એટલામાં ઝાડું મારતી અનસુયા આવી પહોંચી અને બોલી, “હો, હો બેન, સુખડીની તો બહુ સરસ સુગંધ આવે છે ને કંઈ!!”

નયના હસીને બોલી, “હા, આજે મારી બન્ને દીકરીઓ આવે છે ને સાંજે, એટલે બનાવી, બન્નેને ખુબ ભાવે છે, જમાડીને સાથે ડબ્બામાં દઈશ.”

નયનાને બે દીકરીઓ હતી, બન્નેનાં ભણતર અને ઘડતરમાં નયનાનો મહત્વનો રોલ અને એટલે જ બન્ને નયનાને ખુબ માન આપે. એ માનને કારણે જ તો પેલાં અપમાનના ઘુંટડા પીવાઈ ગયા ચુપચાપ. નયના ફરી વિચારે ચડી.

અનસુયા ઝાડુ મારીને પોતું મારવાં લાગી, 

“જલ્દી ઠરતી ન હોય તો ફ્રીઝમાં મેલી દો, તરત થીજી જશે.”

અનસુયાએ પોતાનું રાંધણકળાનું જ્ઞાન ઠાલવ્યું.

નયના વિચારભગ્ન થઈ મનમાં જ બબડી, “થીજાવી નથી, ઠારવી છે.” બહુ ફરક હોય છે આ બન્ને પ્રક્રિયામાં. પતિના પ્રેમથી ઠરતી પત્ની કેવી હશે? પોતે તો થીજેલી હતી, હા, થીજી જ તો ગઈ હતી જ્યારે એણે જાણ્યું હતું કે તેનો પતિ તેની જ માસીની દીકરી સાથે…” ના, ના, હવે નથી વિચારવું, આવું વિચારવું પણ વરવું લાગે છે તો એ લોકો…?? હશે જેવાં જેનાં સંસ્કાર…” નયનાએ પોતાના મનને વાળવાની કોશિશ કરી.

હા, પણ એટલો તો યશ આપવો પડે પોતાનાં પતિને કે તેનાં આવાં કરતુતોએ મને કામે લગાડી દીધી. કહોને કે મશીન જ બનાવી દીધી. ઘર, ઓફિસ, બાળકોનું ભણતર, અલગ-અલગ ટ્યુશન ક્લાસ, બધે જ દોડતી રહી, કામ વધતું ચાલ્યું, કમાણી પણ વધતી ચાલી. જેમ ધીમાં તાપે ઘીમાં લોટ શેકાઈ અને સુગંધ પ્રસરવા લાગે તેમ. લોટને ગરમી તો લાગે, રંગ પણ બદલાઈ જાય પણ સ્વાદ વધે – એમ નયના શેકાતી ચાલી, સ્વાદ વધતો ચાલ્યો, કામ અને કમાણી બન્ને વધવા લાગ્યાં, હવે પતિદેવનાં પૈસાની જરૂર નહોતી રહી. પતિદેવે ભલે નયનાને ગોદ ન લીધી હોય પણ નયનાએ આખાં ઘરને ગોદ લઈ લીધું હતું. દીકરીઓની એકેએક ઈચ્છા અને ઘરની દરેક જરૂરિયાત નયના જ પુરી કરતી, એકલે હાથે.

હવે સુખડી ઠરવા લાગી હતી, નયનાએ સુખડી પર અધકચરા બદામ પિસ્તા છાંટ્યા, લીસીલટાક સુખડી પર જાણે બહાર છવાઈ ગઈ, શુષ્ક લાગતી સુખડી જાણે ખીલી ઉઠી. નયનાની સીધી સપાટ જિંદગીને ખીલવી જાય તેવાં થોડીક વ્યક્તિઓ અને પ્રસંગો હતા. નયનાને સ્વપ્નિલ યાદ આવી ગયો. તેની સાથે વિતાવેલી દરેક ક્ષણ નયનાને આજે પણ મમળાવવી ગમતી. સ્વપ્નિલ, નયનાનો જીગરી દોસ્ત, જેને એ મનની બધી જ વાતો કરતી, જ્યાં અટકતી, સાથ પણ લેતી. નયનાને એ ગમતો પણ બન્ને વચ્ચે એક લક્ષ્મણરેખા કાયમ જ રહી, બદામ પિસ્તાની જેમ જ વળી. સુખડીમાં સમાઈ ન શકે પણ સુખડીની સાથે રહી સુખડીનો સ્વાદ જરુર વધારી જાણે. નયના અને સ્વપ્નિલ પણ એકમેકની સાથે રહીને જીવનનો સ્વાદ વધારતાં રહ્યાં.

“આ બદામ પીસ્તા વગર સુખડી કેવી બેજાન લાગે.” નયના ગણગણી, “સ્વપ્નિલ વગર પણ જીવન મુશ્કેલ જ રહ્યું હોત.”

“ચાલો, સુખડીના વાસણ થઈ ગયાં હોય તો આલી દો, ઘસી નાખું, સાંજ સુધી ચીકણાં ઠામ સાચવવા નહીં,” કહેતી અનસુયા આખા ઘરમાં પોતું મારી રસોડામાં જાણે ધસી જ આવી. નયનાએ સુખડીની સપાટી પર આંગળી લગાવીને જોયું, જરાક વાર હોય એમ લાગ્યું. અનસુયાએ પણ એ જોયું એટલે બોલી, 

“લાવો કપડાં થઈ ગયાં હોય તો સુકવી દઉ એટલે એય તમતમારે નિરાંતે ગપ્પા મારજો, બન્ને દીકરીઓ સાથે.”

“ક્યારેય શાંતિથી બેઠેલાં જોયાં નથી તમને, હવે તો રિટાયર થયાં, હવે તો બેસો જંપીને.”

અનસુયા બોલતી બોલતી મશીનમાંથી કપડાં કાઢી સુકવવા ચાલી.

નયના મલકી. ચાકુથી ઠરી ગયેલી સુખડીમાં કાપા પાડતી નયના ફરી વિચારે ચડી. હા, ખુબ સંતાપ  સહયો. બન્ને દીકરીઓનાં ભવિષ્યની ચિંતા એને કોરી ખાતી પણ હવે થોડી હળવાશ છે, સંતાપ વગર સંતોષની કોઈ કિંમત નથી થતી. તેનાથી લોટ શેકતી વખતે ઉડેલા ગરમ ઘીથી દાઝેલી આંગળી પર ધીરેથી હાથ ફેરવાઈ ગયો. નયનાને દિલ પર ભાર લાગવા માંડ્યો.

કાપા પડાઈ ગયાં હતાં, કપડાં સુકવીને આવી ગયેલી અનસુયાને નયનાએ કહ્યું, “થોડી લાલા માટે રાખીને બે સરખાં ડબ્બા ભરી લો, નહીં તો પાછી લડશે, હું જરાક બહાર બેસું છું, હવે થકાય છે.”

નયના બહાર આરામખુરશી પર બેઠી. કાપા પાડવા લીધેલું ચાકુ હાથમાં જ રહી ગયેલું જોઈ નયના બબડી, 

ખાલી થકાતું નથી, ભુલાય પણ છે, પણ ના, બધું ક્યાં ભુલી શકાય છે? ઈચ્છીએ તો પણ નહીં.” 

નયનાએ આરામખુરશીમાં લંબાવ્યું. એ હાથમાં પકડેલા ચાકુને જોઈ રહી. ચાકુનો ઉપયોગ બીજાને ઘા આપવા માટે પણ થાય, પણ ના, એવાં નકારાત્મક કાર્યોની જીવનમાં જગ્યા જ નહોતી રાખી. તેણે તો બસ ચાકુથી સુખડીનાં કાપા જ કર્યા અને જરૂરિયાત પ્રમાણે ચકતાં ઠાલવતી ગઈ, નયનાના ચહેરા પર સંતોષનું સ્મિત છવાઈ ગયું, સુખડી હવે સાવ ઠરવા લાગી.

અંદરથી અનસુયાની બુમો આવતી રહી, “ડબ્બા ભરાઈ ગયા બેન, ઓ બેન, કામ થઈ ગયું, રાતે કેટલા વાગે આવું?” નયનાના હાથમાંથી ચાકુ નીચે પડી ચુક્યું હતું. સાંજને બદલે બપોરે જ બન્ને દીકરીઓ પોતપોતાના પતિ સાથે મારતી મોટરે આવી રહી હતી, ઠરીને ઠીકરું થઈ ગયેલી સુખડી માટે….

(આ વાર્તા માટે આભાર : ડૉ. પ્રીતિ જરીવાળા, સંપાદક: લેખિની ત્રૈમાસિક)

Leave a Reply to pragnajuCancel reply

5 Comments

  1. માતાનુ સંકલ્પબળ જાગૃત હોય ત્યારે જ આ સંભવ છે. પ્રબળ ઇચ્છાશક્તિવાળો માણસ જે કામ હાથ ઉપર લે છે, તે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેને છોડતો નથી. સંસારની સમસ્ત સફળતાઓનો મૂળ મંત્ર છે પ્રબળ ઇચ્છાશક્તિ. આ ઇચ્છાશક્તિના બળે વિદ્યા, સંપત્તિ અને સાધનોનું ઉપાર્જન થાય છે.
    ધન્યવાદ સુ શ્રી મમતા પટેલ

  2. જીવન સંઘર્ષ સામે મક્કમતાથી લડતી અને તાપમાં શેકાઇને પણ સુખડીની જેમ સંતાનો માટે પુષ્ટિ,તુષ્ટિ અને મીઠાશ આપનાર માતાની કથા. મમતાબેનને અભિનંદન.

    1. EXCELLENT SUKHDI SATHE JIVAN NI SARKHMANI, SUKHDI JEVI SWEET MATA NI MAMTA. SUKHDI NO LOT JEM SHEKAY TEM MATA PAN JIVAN MA SEKAI NE SUKHDI JEVI SUGANDHI FELAVE CHE. CONGRATULATION TO ALL.